પરંપરાના સંવર્ધન સાથે "ઇન્દિરા આવાસ યોજના"ને મળી નવી દિશા!

Printer-friendly version

પરંપરાના સંવર્ધન સાથે "ઇન્દિરા આવાસ યોજના"ને મળી નવી દિશા!

અંદાજે ૩૦ વર્ષ પહેલાં અમલમાં આવેલી એક આવાસ યોજનાનું સાચું અમલીકરણ તો હવે થશે! હા, વાત જાણે એમ છે કે, સરકારશ્રી તરફ્થી ગ્રામ્ય વિસ્તારો માટે જાહેર કરાયેલી 'ઇન્દિરા આવાસ યોજના' કેટલાક નિયમો અને પ્રતિકુળ સંજોગોના કારણે પુરતી સફળ નહોતી રહી. પણ, ગુજરાત સરાકાર અને ચાર સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રયાસો ફળ્યા અને 'ઇન્દિરા આવાસ યોજના'ને મળી નવી દિશા. યોજનાનું સ્વરુપ બદલાતાં વર્ષો પહેલાં જાહેર થયેલી યોજના તો આગળ ધપશે જ સાથે સાથે ગામડાઓની મકાન બાંધકામની પરંપરા પણ અતુટ બનશે.

ગુજરાત સરકાર અને અન્ય ત્રણ સંસ્થાઓ સાથે આ પ્રકલ્પ પર કાર્યરત ભુજની સંસ્થા હુન્નરશાળા ફાઉન્ડેશનના કાર્યકર દિનેશભાઇ ચારણે ભુજ બોલે છે ની ટીમને સમગ્ર કવાયતથી વાકેફ કરી. ઇન્દિરા આવાસ યોજના અંદાજિત ૩૦ વર્ષ પહેલાં માત્ર ગ્રામ્ય વિસ્તારોમાં જરુરતમંદો માટે આવાસ બનાવી આપવા માટે અસ્તિત્વમાં આવી. યોજનાના નિયમો મુજબ મકાન બાંધવા માટેની સિમેન્ટ, બ્લોક્સ સ્થાનિકે સરળાતાથી ઉપલબ્ધ ન હોવા સાથે આર્થિક રીતે પણ પરવડે તેમ ન હોતાં આવાસો બાંધવાનું કામ અટક્યું ! તેમજ કેટલાક વિસ્તારોમાં લોકો પરંપરાગત સ્રોતો દ્વારા બાંધકામ કરવા ઇચ્છતા હોઇ યોજના મહદઅંશે નિષ્ફળ રહી.

યોજનાની નિષ્ફળતાના તારણ કાઢવા માટે ગુજરાત સરકારે યોજનાના ભંડોળમાંથી કેટલીક રકમ તેના અભ્યાસ માટે ફાળવવાનું નક્કી કર્યું. ગુજરાતની "હુન્નરશાળા ફાઉન્ડેશન", “પીપલ ઇન સેન્ટર", “થમ્બ ઇમ્પ્રેસન" તેમજ "બિલ્ડોર" આ ચાર સંસ્થાઓએ સરકારના આ કામને હાથે ધર્યું. ચારેય સંસ્થાઓએ ગુજરાન્તને પાંચ ઝોનમાં વહેંચીને કામગીરી આરંભી. હુન્નરશાળાએ બે ઝોન કચ્છ અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરાવલી, પાટણ અને મહેસાણા જિલ્લાના ગામોમાં એ ગામોની મકાન બાંધકામની પરંપરાગત તકનિકો, બાંધકામ માટે વપરાતો કાચો માલ, સ્થાનિક કારીગરો અને મકાન બનાવવાની પધ્ધતિઓનો સવિસ્તાર અભ્યાસ કર્યો.

દિનેશભાઇ કહે છે કે, “તબક્કાવાર અભ્યાસમાં અમે સૌ પ્રથમ ગામોમાં હાલના ઘર કેવાં છે, કેવી ટેકનોલોજી અપનાવે છે અને શું કરી શકાય તેનો અભ્યાસ અહેવાલ સ્વરુપે સરકારને સુપરત કર્યો. અભ્યાસના આધારે સ્થાનિક સ્રોતોના ઉપયોગ દ્વારા મકાનની વિવિધ ૧૫ ડિઝાઇન બનાવી મંજુરી માટે સરકાર સમક્ષ રજુ કરી, જેમાંથી ૧૦ ડિઝાઇન મંજુર થઇ. આ પાંચ ડિઝાઇનના મોડેલ ઉભા કરવાનું કાર્ય ભુજમાં DRDAના સહયોગથી શરુ થયું છે. જેમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાછળની જમીન પર બાંધકામના પરંપરાગત પધ્ધતિઓ 'પડધી', 'કન્સાઇનમેશનરી', 'પાણા' અને 'પખા' (ફકીરાણી જત પખાના ઘર બાંધે છે) સહિતના ઉપયોગથી તેમજ ગામડાઓની રહેણીકરણીને છતી કરે તેવાં પાંચ મોડેલ હાઉસ બની રહ્યાં છે જે માત્ર મોડેલ ન રહી ભવિષ્યમાં વિવિધ ઉપયોગમાં લેવાશે.”

મોડેલ હાઉસની સાથે અહિં એક એવું મ્યુઝિયમ બનશે જ્યાં ગામડાઓની વિવિધ તકનિકો, બાંધકામનું નિદર્શન કરતી વીડિયો ક્લીપ્સ, મટેરીયલ્સ, ડિસ્પ્લે મુકવામાં આવશે. આ મ્યુઝિયમ ગ્રામ્ય પરંપરાને સાચવવા સાથે આ ક્ષેત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ સંશોધકો માટે "રિસોર્સ સેન્ટર" બની રહેશે તેવો ભાવ દિનેશભાઇએ વ્યક્ત કર્યો!

આમ, નિષ્ફળતામાં જ સફળતા છે એ વાક્યને આ સંસ્થાઓએ સરકારના સથવારે સાર્થક કર્યું છે. આ અભ્યાસોના આધારે હવે 'ઇન્દિરા આવાસ યોજના'ને એક નવી દિશા મળશે અને પરંપરાગત સ્રોતોના ઉપયોગના કારણે લાભાર્થીઓ પણ હોંશે હોંશે યોજનાને ગામે ગામ વધાવશે તેમા બેમત નથી.

માહિતી : દિનેશભાઇ ચારણ (હુન્નરશાળા ફાઉન્ડેશન)

Author
jayanjaria's picture