ભુજની "દેવ એવેન્યુ"ના રહિશોએ અપનાવી "સેગ્રીગેટ વેસ્ટ કલેકશન"ની પ્રક્રિયા!

Printer-friendly version

એક નાગરિક તરીકે જો આપણે એટલું સમજી શકીએ કે "કચરા વ્યવસ્થાપન"નું મહત્વ શું છે તો ભુજની દરેક કોલોની 'દેવ એવેન્યુ' બની રહે. હા, શહેરમાં આવેલી દેવ એવેન્યુ નામની કોલોનીમાં દરરોજ સેગ્રીગેટ વેસ્ટ કલેક્શનની ઉમદા કામગીરી થઇ રહી છે જે કચરો લઇ જનાર અને કોલોનીના રહિશો બન્ને માટે આશીર્વાદરુપ છે. આ સમગ્ર પ્રક્રિયા શરુ કરાવવામાં ભુજની સ્વૈચ્છિક સંસ્થા 'સહજીવન'નો સહયોગ છે.

શહેરમાં ITI કોલેજ પાસે આવેલી આ કોલોનીના સક્રિય કાર્યકર નરેશભાઇને સહજીવન સંસ્થા દ્વારા કરવામાં આવતી "સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ" અંતર્ગત "ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન"ની કામગીરી અંગે જાણ થતાં તેમણે સહજીવન ટીમ સાથે એક બેઠક ગોઠવી. બેઠકના અંતે કોલોનીના ૨૫માંથી ૨૧ ઘરના રહિશો માસિક ૩૦ રુપિયામાં "ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન"ની પ્રક્રિયામાં જોડાયા અને શરુ થઇ ઘરોઘર કચરો એકત્ર કરવાની કામગીરી. સહજીવન સંસ્થાના સહયોગથી શૈલેષભાઇ દરરોજ આ વિસ્તારમાં સાયકલ રીક્ષાથી કચરો એકત્ર કરવા જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી.

રોજ નિયમિત સમયે સાયકલ આવે અને ઘરેથી કચરો લઇ જાય આવી વ્યવસ્થા દેવ એવેન્યુના લોકોને ખુબ જ ગમી! એટલું જ નહિં આ વિસ્તારના લોકોએ જાતે સમજદારી અપનાવી અને દરરોજ સુકો અને ભીનો કચરો અલગ અલગ ટોપલીમાં આપવાનું શરુ કર્યું. આ પધ્ધતિથી શૈલેષભાઇને કચરો અલગ કરવાની મહેનત પણ ઘટી અને ભીનો કચરો અલગ હોવાથી એઠવાડ તરીકે સીધો ગોવાળ સુધી પહોંચાડવાનું સરળ બન્યું. હવે તો રોજ ઘરની બહાર બે અલગ ટોપલી પડી હોય અને સાયકલવાળા ભાઇ બે અલગ ડ્રમમાં કચરો લઇ જતા રહે છે! છે ને કચરા નિકાલની સુંદર વ્યવસ્થા! શું તમે પણ તમારા વિસ્તારમાં આવી વ્યવસ્થા ગોઠવવા ઇચ્છો છો? તો ચોક્કસથી સહજીવન સંસ્થાને ૯૯૨૪૪૯૯૭૨૦ પર સંપર્ક કરો.

Author
dharmesh.antani's picture