ભુજના બાબુભાઇની રસોઇનો સ્વાદ રા'ખેંગારજીની દા'દ મેળવતો !

Printer-friendly version

“અમે રોજ ફરફરતું ભોજન બનાવતા અને રા'ખેંગારજી હોંશે હોંશે આરોગતા અને ક્યારેક તો એટલા રાજી થઇ જતા કે બક્ષીશ પણ આપતા!” આ વાત રાજાશાહી જમાનામાં કચ્છના મહારાવશ્રી ખેંગારજીના રાજમાં મુખ્ય રસોયા તરીકે રહી ચુકેલા ભુજના બુઝુર્ગ નથુભાઇ ઉર્ફે બાબુભાઇએ 'ભુજ બોલે છે'ની મુલાકાતમાં કહી. મહારાવશ્રી ખેંગારજી અને તેમની છ પેઢી સાથે સબંધ ધરાવનાર બાબુભાઇએ આજથી ૫૦ થી ૬૦ વર્ષ જુની તસવીરો બતાવતાં રાજના સંસ્મરણો વાગોળ્યાં હતા.

કચ્છના મહારાવ અને એક સમયે ભારતના એમ્બેસેડર મહારાવશ્રી મદનસિંહજી સાથે નોર્વેમાં રહી ચુકેલા બાબુભાઇ હાલમાં પણ રાજ પરિવાર સાથે ઘરોબો ધરાવે છે અને ભુજની જુની શાક માર્કેટ પાસે આવેલી રુબી શેરીમાં હાથે રાંધીને રહે છે! પ્રાગમહેલના 'કચ્છ અભ્યાસ કેન્દ્ર'ના આર્કાઇવીસ્ટ શ્રી દલપતભાઇ દાણીધારીયાના માધ્યમે બાબુભાઇ સાથે મુલાકાત થઇ. પોતે રાજ પરિવાર સાથે સંકળાયેલા હોવાનો આનંદ આજે નેવું વર્ષની વયે પણ એમની આંખોમાં તરવરતો હતો. મહારાવ ખેંગારજીના વહીવટની વાત કરતાં બાબુભાઇ કહે છે કે, “મારા પિતા મહારાવના મુખ્ય રસોયા હતા અને તેમની પાસે અન્ય ૫૦ જણનો સ્ટાફ રસોડાંમાં હતી. પિતાજીના અવસાન બાદ મહારાવે ઘડેલી ઉદાર નીતિના પગલે હું ૧૦ વર્ષની ઉંમરે રાજમાં રસોયા તરીકે જોડાયો. સમય જતાં હું મુખ્ય રસોયો બની ગયો અને રાજ પરિવાર માટે દરરોજ વિવિધ વાનગીઓ બનાવી અનેક વાર બક્ષીસ મેળવી છે. મહારવના ફીરંગી મહેમાનો માટે તેમને ગમે તેવી વાનગી બનાવવા માટે મહારાવ તરફથી આદેશ મળતો તેમજ નોનવેજ ડિશ પણ બનાવતો ! રા'ને અમારી રસોઇનો ચસકો હતો ભાઇ !” રાજ પરિવાર સાથે પોતાની નિકટતા દર્શાવતાં બાબુભાઇના ચહેરા પર અનેરું સ્મિત જોઇ શકાયું. એટલું જ નહિં પણ આપણા આ બાબુભાઇએ એક સમયે જવાહરલાલ નહેરુ કચ્છની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમને પણ પોતાની રસોઇ જમાડી છે! મહારાવશ્રીએ મધ્યપ્રદેશમાં વાઘનો શીકાર કર્યો હતો ત્યારે પણ બાબુભાઇ તેમની સાથે હાજર હતા.

એ જમાનામાં મોટી રકમ કહી શકાય તેવી દોઢ સો કોરી પગાર રાજ તરફથી બાબુભાઇને મળતો. તેમજ બાર મહિનામાં બે વખત કોટ-પેન્ટ અને હેટ નો ગણવેશ પણ રાજ તરફથી અપાતો. રાજ પરિવાર ભોજન કરી લે ત્યાર બાદ જે રસોઇ વધી હોય તે બાબુભાઇના ઘરે આવતી અને તેમનો પરિવાર ભોજન કરતો. રાજની પોતાનિ ગૌશાળા હોતાં દુધ-ઘીથી તરબતર રસોઇ બનતી અને તાંબા પિત્તળના વાસણોમાં મહારાવ ભોજન કરતા. અને જ્યારે મહારાવ બહારગામ હોય ત્યારે પણ એવી જ રસોઇ બનતી અને વહીવટન સ્ટાફ સહિત સભ્યો સાથે ભોજન કરીને મોજ કરતા તેવું બાબુભાઇએ કેટલીક તસવીરો બતાવતાં કહ્યું હતું. રા'ખેંગારજીના સમયમાં ઓઝલ પાળવામાં આવતું એટલે કે રાણીવાસમાં કોઇ પુરુષને પ્રવેશની મનાઇ હતી પણ રાજ સાથે ઘનિષ્ઠ સબંધ અને સ્વાદિષ્ટ રસોઇ બનાવતા બાબુભાઇને ગંગારાણી સાહેબાએ સામેથી મળવા બોલાવ્યા હતા.

ભુજ ખુબ જ ઐતિહાસિક સ્થળો ધરાવે છે અને બાબુભાઇને મળીને આજે એ પણ પ્રતિતિ થઇ કે ભુજમાં ઐતિહાસિક વ્યક્તિ વિશેષો પણ વસે છે. આજે પણ બાબુભાઇ પોતાના ઘરની બારી પર ઉભીને એક સમયે મહારાવની નીકળતી સોના ચાંદીની અસ્વારીઓને યાદ કરે છે! અને આટલી જૈફ વયે પણ પ્રાગમલજીની બાબુભાઇ નિયમિત મુલાકાત લે છે અને પહેલાં જેવું જ માન મેળવે છે !

Author
jayanjaria's picture

Contributors and sources for this content