ભુજના નગરસેવકો માટે સુશાસન અને સહભાગી બજેટ અંગે કાર્યશાળા યોજાઇ

Printer-friendly version

ભુજ નગરપાલિકાના ચુંટાયેલા પ્રતિનિધિઓ શહેરી શાસન વ્યવસ્થાથી વધુ સારી રીતે માહિતગાર બની ભુજના વિકાસમાં વધુ અસરકારક રીતે સહભાગી બને તેવા ઉમદા આશય સાથે ભુજના અર્બન સેતુ દ્વારા એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું. શહેરી શાસનના નિષ્ણાત દ્વારા ૭૪મા બંધારણિય સુધારા, નગરસેવકોની ભુમિકા તેમજ નગરપાલિકાના બજેટ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી.

ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ સુશીલાબેન આચાર્યની અધ્યક્ષતામાં આયોજિત કાર્યશાળાના પ્રારંભે અર્બન સેતુના અર્બન કોઓર્ડિનેટર વિશ્રામભાઇ વાઘેલાએ ઉપસ્થિત કાઉન્સીલર્સને આવકારી વિષયવસ્તુ સ્પષ્ટ કર્યો હતો. શહેરી શાસનના જાણકાર તેમજ "પાથેય" સંસ્થા અમદાવાદથી ખાસ નિષ્ણાત તરીકે ઉપસ્થિત મહેન્દ્રભાઇ જેઠમલાનીએ પ્રેઝન્ટેશનના માધ્યમથી નગરપાલિકાના બજેટ તેમજ તેમાં નગરસેવકો શું ભુમિકા ભજવી શકે તેની માહિતી આપી હતી. નગરપાલિકાને કયા કયા વિષયોના આધારે કેટલું નાણાકિય બજેટ ફાળવવામાં આવે છે અને તેના આધારે કાઉન્સીલર તેમના વિસ્તારના વિકાસ કાર્યોને કેવી રીતે મુકી શકે તેની ચર્ચા કરવામાં આવી. નગરસેવકો જો નગરપાલિકા દ્વારા બનાવવામાં આવતાં વાર્ષિક બજેટને સમજે તેમજ તેમના વોર્ડની જરુરિયાતોને સાંકળીને એ બજેટમાં સામેલ કરાવે તો એ વિસ્તારના વિકાસ કાર્યોને વેગ મળે તેવી વાત કરાઇ હતી. બજેટ પ્રક્રિયામાં વિવિધ વિકાસ કાર્યોમાં મહિલા લક્ષી કાર્યો સમાવવામાં આવે તો એ ભુજ નગરપાલિકાની અનોખી પહેલ બની રહેશે તેવું મહેન્દ્રભાઇએ ઉમેર્યું હતું. તેમજ બજેટની પ્રક્રિયામાં પુનાની જેમ જો નાગરિકોની સહભાગીતા આવે તો એ નગરપાલિકાનું બજેટ ઉત્કૃષ્ટ બની શકે તેવી વાત વિષય નિષ્ણાતે કરી હતી.

આ તબક્કે સેતુના ટ્રસ્ટી ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાયે જણાવ્યું કે રાજીવ ગાંધી આવાસ યોજના જે હવે મુખ્યમંત્રી આવાસ યોજના તરીકે ઓળખાય છે, તેના અંતર્ગત ભુજ શહેરમાં ૩૧૪ પરિવારોને સમાવી શકાયા છે જે નગરપાલિકા સાથેનું સંસ્થાનું નોંધપાત્ર કાર્ય છે. તેમણે રાપર નગરપાલિકામાં કાઉન્સીલર્સના સહકારથી અર્બન સેતુને કામગીરીમાં નોંધપાત્ર સફળતા મળી હોવાની વાત કરી હતી. સેતુના વિશ્રામભાઇએ અર્બન સેતુ દ્વારા વોર્ડ નંબર ૨ અને ૧૧માં જે રીતે માળખાકીય અભ્યાસ કરાયો છે એ જ રીતે નગરસેવકો નગરપાલિકાના બજેટની જોગવાઇમાંથી તેમના વિસ્તારનો અભ્યાસ કરાવે જે વિસ્તારના વિકાસકાર્યોની નોંધ બનાવવામાં ઉપયોગી નિવડશે તેવી વાત મુકી હતી. ઉપસ્થિત નગરસેવકો પૈકી સુશીલાબેન આચાર્ય, રેશ્માબેન ઝવેરી, અશોકભાઇ પટેલ, સુખદેવસિંહ જાડેજા, વિપક્ષ નેતા રાજેન્દ્રસિંહ જાડેજા સહિત નગરસેવકોએ આ કાર્યશાળાને સરાહનીય ગણાવતાં તેમના અભિપ્રાયો વ્યક્ત કર્યા હતા. કાર્યશાળામાં બન્ને પક્ષના કુલ ૨૪ કાઉન્સીલર્સ ઉપસ્થિત રહ્યા હતા જેથી કાર્યશાળાને સફળતા સાંપડી હતી. આ પ્રસંગે નગરપાલિકામાંથી આવેલા વિરાટભાઇએ સૌ નગરસેવકોના મોબાઇલમાં "સ્વચ્છતા એપ" ડાઉનલોડ કરાવી તેના ઉપયોગથી માહિતગાર કર્યા હતા.

અંતમાં અર્બન સેતુના કોઓર્ડિનેટર ભાવસિંહભાઇ ખેરે મહેન્દ્રભાઇ જેઠમલાની અને ઉપસ્થિત નગર સદસ્યોનો આભાર માની આ કાર્યશાળા આગામી આયોજનમાં સાર્થક રીતે ઉપયોગી નિવડશે તેવી આશા વ્યક્ત કરી સેતુ અભિયાનનો સહકાર પુરો પાડવાની ખાતરી આપી હતી. અર્બન સેતુના મામદભાઇ લાખા, કરમણભાઇ મારવાડા, આશાબેન મહેશ્વરી, મયુર મહેશ્વરી, “ભુજ બોલે છે"ના જય અંજારિયા તથા શુચિતા જોષીએ વ્યવસ્થા સંભાળી હતી.

Author
jayanjaria's picture