ભુજ શહેર પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા દેશી પશુ ઓલાદનું જતન અને સંવર્ધન અંગેની કાર્યશાળા યોજાઇ

Printer-friendly version

ભુજ શહેર પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા દેશી પશુ ઓલાદના જતન અને સંવર્ધન પર સંગઠનના સભ્યો માટે એક કાર્યશાળાનું આજે આયોજન થયું. જેમાં સાત્વિક અને સહજીવન સંસ્થાઓ સહભાગી થઈ.

સહજીવનના નીતાબેન ખૂબચંદાણી દ્વારા સૌનું શાબ્દિક સ્વાગત કર્યું. સાત્વિકના રમેશભાઈ મકવાણા દ્વારા કાર્યશાળા અંગે વિસ્તૃત સમજ આપતાં જણાવ્યું કે શરૂઆતમાં તેઓ ૫૩ માલધારીઓને મળ્યા જેમાં ગાય-ભેંસની સંખ્યા, ક્યાં પશુની સંખ્યા વધુ છે, સંખ્યા આધારિત વ્યવસ્થા આ બધાનો સર્વે કર્યો. જેમાં પશુપાલનને લગતા વિવિધ મુદ્દાઓ સામે આવ્યા. સૌથી અગત્યનો મુદ્દો ઓલાદ સુધારણા ! તેઓએ ધ્યાન દોર્યું કે કાંકરેજ ગાય હોય તો એ જ ઓલાદનો સાંઢ યોગ્ય રહે. ઓલાદ જાળવી રાખવા મહેનત કરવી પડશે. પશુધનને શુદ્ધ રાખવા પર ભાર મૂક્યો. આ ઉપરાંત દૂધ કલેક્શન સેન્ટરનો અભાવ, ખર્ચો(સુકોચારો, લીલોચારો), જ્ગ્યાનો અભાવ, ખરીદશક્તિ ન હોવી, સંગ્રહ માટે જગ્યાની વ્યવસ્થા ન હોવી. માત્ર ૨થી ૩ માલધારી મિત્રો જ લીલોચારો પોતાના પશુને ખવડાવે છે. પ્રશ્નોના સમાધાન તરીકે તેમણે સામૂહિક ખરીદીનો વિકલ્પ બતાવ્યો. સામૂહિક રજૂઆત દ્વારા દૂધનું વેચાણ કેન્દ્ર કે ઘાસચારાની ખરીદી એસોસિએશન દ્વારા થાય તો વધુ સગવડતાભર્યું બની રહે.

માલધારીઓ પોતાની આવડત, સમજ, સૂજ-બૂઝ, દ્વારા ક્યો વેલો સારો? તેમજ એવી અનેક બાબતથી બધાને વાકેફ કરી શકે. ગૌમૂત્ર દ્વારા ઔષધિ બનાવી તેમણે વ્યવસાયિક દ્રષ્ટિકોણ અપનાવવા કહ્યું. આ તબક્કે પશુધન રજીસ્ટર–રેકોર્ડ તૈયાર કરવાની વાત કરી. જેમાં દૂધ ઉત્પાદન ખરીદી, વિતરણ, પશુની સંખ્યા, કેટલી વાર વેતર, કઈ ઓલાદ, કેટલા વેતર વિયાણી, પશુના શિંગડા, કાન, દૂધ ઉત્પાદનના સવાર-સાંજના આંકડા, ૬-૬ મહિનાની પશુ નોંધ, પશુ આહારની સૂકા-લીલા ચારાની માહિતી, તે ખરીદીની તારીખ જેવી બાબતોનો સમાવેશ કરી રજીસ્ટર બનાવવામાં આવે. તેમણે ઉદાહરણ દ્વારા સમજાવ્યું કે ગીરગાય આપણી અહીની છે. જેને બ્રાઝિલમાં લઈ જઈને તેઓ ૪૦ લિટર દૂધ ઉત્પાદન લે છે. તો આપણે કેમ નહીં ? જે પશુ આહારમાં વૈજ્ઞાનિક ઢબ અપનાવવાથી શક્ય બની શકે. દૂધ કઈ રીતે વધે? ન્યુટ્રિશન વેલ્યૂ મુજબ ખોરાક આપવો. કેટલું પ્રોટીન કે કાર્બોહાઈડ્રેટ આપવું, પ્રમાણસર આપવું જેવી માહિતી મેળવવી. જો આપણે પણ વૈજ્ઞાનિક રીત અપનાવીએ તો દૂધ ઉત્પાદન વધારી શકીએ.

આ વિષયે અભ્યાસ કરનાર વલીમામદભાઈ થેબાએ માલધારી ભાઈઓને સ્વેચ્છાએ પોતાના નામ નોંધાવી રજીસ્ટર રેકોર્ડ તૈયાર કરવા વિષે જણાવ્યું જે આગળ જતાં ઉપયોગી થશે. ઉપરાંત એનિમલ હોસ્ટેલ માટે પણ આ વિગતો ઉપયોગી થાય. સંગઠનના આસિફભાઈ ચાકી દ્વારા માહિતી અપાઇ કે સરહદ ડેરીનું સેન્ટર ટૂંક સમયમાં ખૂલશે તેમજ તેના ફાયદા જણાવ્યા. આ પ્રસંગે ઉપસ્થિત સર્વેને "શહેરી પશુપાલન આર્થિક પાસાઓ સબંધી અભ્યાસનો ભુજ શહેરનો અહેવાલ" આધારિત પુસ્તિકા આપવામાં આવી હતી.

કાર્યશાળાથી માલધારીઓ નવી પશુપાલનની રીતથી પરિચિત થયા. નવી પદ્ધતિ અપનાવવા સહમત થયા. સહજીવનના પેસ્ટ્રોલીઝમના પ્રો.ડાયરેકટર રમેશભાઈ ભટ્ટી, વલીમામદભાઈ, સેતુ અર્બનના કરમણ મારવાડા, વિશ્રામ વાઘેલા હાજર રહ્યા હતા. તો સંગઠનન પ્રમુખ આમદ ઇસ્માઇલભાઈ જત, સાત્વિકના રમેશભાઈ, સંદીપભાઈ કનોજિયા, નિતાબેન ખુબચંદાણી, સતારભાઈ થેબા સૌએ કાર્યશાળાને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

Author
Shuchi's picture