ભુજમાં "એરિયા કમિટી"એ તળાવ પર થતાં દબાણના દુષણને નાથ્યું !

Printer-friendly version

કુદકે ને ભુસકે વધી રહેલી વસ્તીને પહોંચી વળવા એક તરફ જ્યારે યેન કેન પ્રકારે કેટલાક લોકો તળાવો બુરીને જમીનો દબાવી લેતા હોય છે ત્યાં બીજી તરફ કેટલાક લોકો એ જ તળાવો બચાવી લેવા ઝઝુમી રહ્યા છે. હા, આ વાત છે શહેરમાં રેલ્વે સ્ટેશન પાસે આવેલાં 'પાંજરાપોળ' તળાવની અને તેને દબાણમુક્ત કરવાનું બીડું ઝડપનાર બાપાદયાળુ એરિયા કમિટીના સભ્યોની !

dsc09030.jpg

ભુજના રેલ્વે સ્ટેશન જતા માર્ગ પર આવેલું પાંજરાપોળ તળાવ કેટલાક સમય પહેલાં અમુક દબાણખોરોની નજરે ચડ્યું હતું. પોતાના મનસુબાને પાર પાડવા માટે તેઓએ તળાવના કાંઠે પથરા, કાંકરી, પુર જેવો કાચો માલ લાવીને રાખવાનું શરુ કર્યું હતું. આ દબાણની જાણ 'બાપાદયાળુ એરિયા કમિટી'ને થઇ ! અરે હા, પહેલાં એ જણાવીએ કે એરિયા કમિટી એટલે શું ? ભુજના અર્બન સેતુના સંકલન દ્વારા શહેરના સ્લમ વિસ્તારોમાં વિસ્તારના વિકાસમાં સ્થાનિક લોકો જાતે જ આયોજન બનાવી તેમના વિસ્તારનો વિકાસ કરી શકે એ માટે સ્થાનિકના જ ભાઇ બહેનોમાંની 'એરિયા કમિટી' બનાવવામાં આવી છે. આ એરિયા કમિટીએ પોતાના વિસ્તાર એટલે કે બાપાદયાળુનગર અને શેખ ફળિયાના વિકાસ માટે સેતુના સહયોગથી જાતે આયોજન કર્યું અને વિસ્તારની પાયાની સગવડો ઉપલબ્ધ કરાવી. આ આયોજનમાં પાંજરાપોળ તળાવની જાળવણી સમાવિષ્ટ હતી.

તળાવ દબાણખોરો દ્વારા પુરી દેવામાં આવે એ પહેલાં જ અહિંની એરિયા કમિટીના સભ્યોએ તળાવની આસપાસ ગતિવિધિ શરુ કરી દીધી. કુદરતી સ્રોતની જાળવણીના આ કાર્યને સેતુ સંસ્થા અને સ્થાનિક લોકોનો સકારાત્મક અભિગમ સાંપડ્યો અને જાળવણીના પ્રથમ પગલાંરુપે એરિયા કમિટીએ જ્યાં દબાણખોરોએ પગપેસારો શરુ કર્યો હતો ત્યાંજ વૃક્ષારોપણ કરી બાઉન્ડ્રી વાળી લીધી ! આ બાબતે એરિયા કમિટીના સભ્ય અને સક્રિય કાર્યકર ફાતમાબેન જતે જણાવ્યું કે, “એક સમયે આ તળાવ આસપાસના લોકો માટે પાણીનો એકમાત્ર સ્રોત હતો જેને પુરીને અમુક તત્વો તેના પર મકાનો બાંધવાનું વિચારતા હતા. અમે સૌએ અમારા વિસ્તારના આ તળાવને બચાવી લેવા નક્કી કર્યું અને સેતુ સંસ્થાના સહયોગ અને લોકભાગીદારીથી સવા લાખ રુપિયા ખર્ચીને તળાવની પાળે તારબંધી કરી વૃક્ષારોપણ કર્યું. આમ કરવાથી તળાવનું રક્ષણ પણ થયું અને પર્યાવરણની જાળવણી પણ થઇ!” આ વાત સાથે ફાતમાબેનની એવી ઇચ્છા પણ હતી કે જો આ પાંજરાપોળ તળાવમાં જે રહેણાક વિસ્તારોની ગટરનું પાણી આવે છે તે બંધ થાય તો આ તળાવ ખુબ જ સુંદર બની રહેશે.

img_20151225_120714.jpg

બાપાદયાળુ કમિટીના સભ્ય ફાતમાબેનની જેમ કમિટીના અન્ય સભ્યો લતીફશા ભચલશા, હમીરશા ફકીરમામદ, ખતીજાબેન અલીમામદ થેબા, શકીનાબેન રમજુ જત તેમજ હનિફાબેન સુમાર બાફણે પણ તેમના વિસ્તારના વિકાસકાર્યોમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે અને હજુ પણ આપી રહ્યા છે. સેતુ ટીમના સહકારથી વિસ્તાર વિકાસ માટેના આયોજન ઘડી રહેલી આ એરિયા કમિટીની સક્રિય અને હોંશબેર થતી કામગીરી જો ભુજ શહેરના દરેક વિસ્તારોના નાગરિકો અપનાવે તો ભુજ શહેર આપમેળે 'સ્માર્ટ સીટિ' બની શકે તેમાં બેમત નથી.

Author
jayanjaria's picture