“સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ" માટે કાર્યરત 'સહજીવન' !

Printer-friendly version
Date: 
19/12/2014

કોઇ પણ શહેરને નિર્મળ અને સ્વચ્છ બનાવવાની વાત કરીએ ત્યારે સૌ પ્રથમ મુદ્દો 'સફાઇ'નો આવે છે. આ સફાઇનો મુદ્દો ખરેખર ખુબ જ વિશાળ વ્યાપ ધરાવે છે જેમાં તંત્ર પણ ક્યારેક પહોંચી વળવા માટે સક્ષમ હોતું નથી. આવામાં તંત્રની જવાબદારીઓને વહેંચી લેવા અને તેના ડાબા હાથ તરીકે સંસ્થાઓ આગેવાની લેતી હોય છે! એવી જ એક સંસ્થા 'સહજીવન'ની વાત અને તેની કામગીરી આ લેખના માધ્યમથી મુકી રહ્યા છીએ.

નિર્મળ ગુજરાત હેઠળ નગરપાલિકા દ્વારા 'સખિ કાર્યક્રમ'ની જાહેરાત કરવામાં આવી જેની જવાબદારી ભુજની સંસ્થા 'કચ્છ મહિલા વિકાસ સંગઠન' દ્વારા ઉપાડવામાં આવી અને આ સંસ્થાએ 'સખિ મંડળો' બનાવી શહેરના વંચિત વિસ્તારોની બહેનોને જોડી. આ સખિ બહેનોના મંડળો શહેરની સ્વચ્છતા માટે તૈયાર કરવામાં આવ્યા. શરુઆતમાં શહેરના લોકો આ સખિઓના કામથી અપરિચિત હતા જેને પરિચિત કરવાની કામગગીરી 'સહજીવન' સંસ્થાએ ઉપાડી. સંસ્થાએ સ્વચ્છતાની આ પ્રક્રિયા લોકો સ્વીકારતા થાય એ માટે ઘરોઘર લોકસંપર્કો કર્યા અને પરિણામે વર્ષ ૨૦૦૮ના સપ્ટેમ્બર મહિનાથી 'ઘન કચરા વ્યવસ્થાપન' ની પ્રક્રિયા આરંભાઇ! પ્રથમ શહેરના ૨૦૦ ઘરોમાં ઓળખ ઉભી થઇ અને ૧૧ સખિ બહેનો સાથે કચરા વ્યવસ્થાપન શરુ થયું. ધીરે ધીરે આ પ્રક્રિયામાં શહેરના ૨૨ હજાર પરિવારો જોડાયા.

dsc04934.jpg

સહજીવનની આ કામગીરી વિશે માહિતિ આપતા ધર્મેશભાઇ અંતાણીને ઉમેર્યું હતું કે, ''આ પ્રક્રિયાના સંદર્ભમાં શહેરના લોકોના પ્રતિભાવો અને સુચનો જાણવા માટે દર મહિને અમે લોકો સાથે ફળિયા મીટિંગ કરી તેમજ સખિ બહેનોના પ્રશ્નો ઉકેલવા માટે તેમની સાથે પણ બેઠકો કરી. તેમજ નગરપાલિકાને માહિતગાર કરવા માટે વિવિધ વિસ્તારોના સક્રિય નાગરિકો સાથે 'ડાઇલોગ વર્કશોપ' પણ કર્યા અને તેના આધારે જ નગરપાલિકાએ કાર્યક્રમને લંબાવવા માટે સહયોગ આપ્યો. પણ, કમનસીબે ૨૦૧૩માં પાલિકાના તંત્રમાં ફેરફાર આવ્યા અને નવી બોડીએ આ પ્રક્રિયા લાંબી અને ખર્ચાળ હોવાનું જણાવતાં ૫ વર્ષથી ચાલતી પ્રક્રિયા થંભી ગઇ !''

mayor_and_councilor_meet_citizendsc01596.jpg

નગરપાલિકાના હોવાથી શહેરની અંદરના ભાગમાં તો સફાઇની કામગીરી ચાલતી હતી પણ ૨૦૦૮માં અમુક વિસ્તારોને વોર્ડ નંબર ૧૩ અને ૧૪ તરીકે માન્યતા મળી પણ એ વિસ્તારો સફાઇથી તો સાવેય વંચિત હતા. આ સમયે સહજીવન સંસ્થાના કાર્યકરોએ આ બન્ને વિસ્તારોમાં કચરાના વ્યવસ્થાપન માટે રાત્રિ મીટિંગ દ્વારા લોકસંપર્ક કરી સફાઇની પરિસ્થિતિનો તાગ મેળવવ્યો. આ પ્રક્રિયામાં સંસ્થાએ ઘરોઘર કચરા એકત્રિકરણનો પ્રસ્તાવ મુક્યો અને 'ડોર ટુ ડોર'ની જરુરીયાત જણાઇ આવી. આ સમયે પાલિકાના પ્રમુખ શંકરભાઇએ પણ જરુરીયાતને સમજી સહજીવનને વોર્ડ ૧૩ અને ૧૪ માટે પ્રપોઝલ બનાવવા જણાવ્યું અને એ પ્રપોઝલ એક વર્ષ માટે સ્વીકારાયું! શહેરના શીવમપાર્ક, શ્રીજીનગર, ઓધવબાગ, આરટીઓ રિલોકેશન, સ્વામીનારાયણ એવેન્યુ સહિત વિસ્તારોમાં 'ડોર ટુ ડોર' વેસ્ટ કલેક્શન અને શેરી સફાઇની પ્રક્રિયા ૧લી મે ૨૦૧૩થી શરુ થઇ. જેમાં સંસ્થાએ ૪૪ કામદારો, ૨ ટ્રેકટર અને ઘરોઘર કચરો લેવા માટે ૪ છકડા કામગીરીમાં જોડ્યા. આ પ્રક્રિયા દરમ્યાન સંસ્થાના કાર્યકરો જેષ્ઠારામ ગોર, અશ્વિનભાઇ અને  ક્યાં સફાઇ થઇ, કયા વિસ્તારમાં છકડા આવે છે કે નથી આવતા કે અનિયમિત છે તેની કાળજી લીધી. આ માટે વિસ્તારોમાં રજિસ્ટર પણ રખાયું હતું જેમાં કામદારો કયા દિવસે આવતા તેની નોંધ રહેતી. વિસ્તારના સક્રિય નાગરીકો અને એ વિસ્તારના કાઉન્સીલર સાથે પણ બેઠકો કરી કામગિરિને વધુ સફળ બનાવવાના પ્રયાસો થયા !

dsc05764.jpg
માર્ચ ૨૦૧૪માં નગરપાલિકા સાથેનો કોન્ટ્રાક્ટ પુરો થતાં કામગીરી બંધ થઇ! પણ વિસ્તારોમાંથી માંગ આવતી રહી. નગરપાલિકા તરફથી આ વખતે એ પ્રક્રિયા માટે ના આવી. અંતે લોકોને સંસ્થા દ્વારા પ્રસ્તાવ મુકાયો કે જો લોકો દરરોજનો ૧ રુપિયો આપવા તૈયાર હોય તો સંસ્થા સંકલન કરવા તૈયાર છે. સંસ્થાનો આ વિચાર લોકોને ગોઠી ગયું અને ત્યાર થી શહેરના વિવિધ વિસ્તારોમાં છકડા દ્વારા ડોર ટુ ડોર કલેક્શન શરુ થયું. આજે શહેરના વિવિધ ૨૦ વિસ્તારોમાં ઘેર ઘેર કચરો લેવા માટે છકડાની સુવિધા શરુ થઇ જેમાં શહેરીજનોએ જાતે જ વિચારને અપનાવીને વ્યવસ્થા ગોઠવી અને સંસ્થાનું માર્ગદર્શન કામે લાગ્યું.

ભુજમાં જ્યુબીલિ કોલોની, નરનારાયણનગર, લાલન કોલેજ, જાદવજીનગર, શ્રીજીનગર, હિલવ્યુ, હિરાણીનગર, સોનાલીપાર્ક, શીવમપાર્ક, આઇયાનગર, સર્જન સીટિ ૨, ઓધવપાર્ક ૧, આશાપુરા પાર્ક, મુન્દ્રા રિલોકેશન, શીવકૃપાનગર, સંસ્કારનગર, રાધીકાપાર્ક, નરસિંહમહેતાનગર, રઘુવંશીનગર, નાગરિક સોસાયટી તેમજ ભાવિકા પેલેસ સહિત વિસ્તારોના ૯૦૦ રહેણાકો આ છકડા સીસ્ટમમાં જોડાયા છે અને ઘન કચરા વ્યવસ્થાપનની પ્રક્રિયામાં સહભાગી થઇ રહ્યા છે.

Author
jayanjaria's picture

Contributors and sources for this content