ઘરના ભીના-સુકા કચરાના નિકાલ માટેની સુચારુ વ્યવસ્થા !

Printer-friendly version

કચરાનો નિકાલ કોઇ પણ શહેર કે ગામ માટે મહત્વનો પ્રશ્ન હોય છે પણ ઘરના કચરાનો પ્રશ્ન ગૃહિણીઓ માટે માથાના દુ:ખાવા સમાન હોય છે. ઘરના સુકા અને ભીના કચરાના નિકાલ માટે હમેંશા સમસ્યાઓ રહેતી હોય છે ત્યારે ભુજની સંસ્થાએ વિકસાવેલો "ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન"નો વિચાર આ સમસ્યાઓનો ઉકેલ બની રહ્યો છે. અલબત્ત હજી આ વિચારને શહેરના નાગરિકો તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો નથી પણ આ લેખ દ્વારા આ પધ્ધતિનું મહત્વ અને જોડાયેલા નાગરિકોના પ્રતિભાવો વાચકો સમક્ષ મુકીને આ વિચાર વહેતો મુકવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

"ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન"ની પ્રક્રિયાને સમજવા અને લોકોના પ્રતિભાવો જાણવા 'ભુજ બોલે છે'ની ટીમે સહજીવન સંસ્થા દ્વારા વિકસાવેલા રુટની મુલાકાત લીધી. જ્યાં જ્યાં છકડો ગયો ત્યાં ત્યાં કચરો આપવા આવેલા નાગરિકોને મળ્યા અને આ પધ્ધતિ પ્રત્યે તેમના અનુભવો અને વિચારો જાણ્યા !

જાદવજીનગરમાં આવેલા શ્રીજી એપાર્ટમેન્ટના રહેવાસી મોહિનિબેન જેઠી કહે છે કે, “અમારા વિસ્તારમાં સહજીવન સંસ્થા મારફતે આ કચરા એકત્રિકરણની માહિતિ મળતાં એક માસથી આ છકડો અમારા વિસ્તારમાં આવે છે. અમે સૌ મહિનાના ૩૦ રુપિયા આપીએ છીએ અને એકાદ દિવસ સીવાય દરરોજ ઘરનો એઠવાડ, પ્લાસ્ટિક સહિતનો કચરો ભાઇ લઇ જાય છે એટ્લે આ પધ્ધતિથી પુરતો સંતોષ છે. નગરપાલિકાનું ટ્રેકટર મહિનામાં કયારેક આવે છે પણ તેમાં સેગ્રીગેટ કચરો સ્વીકારતા નથી તેથી આ પ્રક્રિયા ખરેખર ઉપયોગી બની રહી છે.”

dsc05764_0.jpg

"ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન"ની આ પધ્ધતિ માટે નોંધપાત્ર સુચન આપતાં ભુજની લાલન કોલેજના બાયોલોજીના પ્રાધ્યાપક શ્રી પ્રણવભાઇ પંડ્યા જણાવે છે કે, “ ખુબ જ નોમીનલ ચાર્જ સાથે આ વેસ્ટ કલેક્શનની પ્રક્રિયા ચાલી રહી છે. ખરેખર કોલોનીને સ્વચ્છ રાખવા માટે આ પધ્ધતિ ઉપયોગી બની રહી છે. આ છકડામાં જો અલગ અલગ કચરા માટે અલગ અલગ કલરના ડ્રમ રાખવામાં આવે તો લોકોને કચરો નાખવામાં મદદરુપ બને. અત્યારે પણ છકડાવાળા ભાઇ ભીનો અને સુકો કચરો અલગ અલગ લે છે પણ એઠવાડમાં પશુઓને નુકસાન થાય એવી કોઇ ચીજ ન આવી જાય તેના માટે અલગ વ્યવસ્થા આ પધ્ધતિને વધુ અસરકારક બનાવશે. શહેરના નાગરિકોએ શક્ય એટલી આ પ્રક્રિયાને અપનાવવી જોઇએ.”

dsc05780.jpg

અલગ અલગ વિસ્તારોમાં રહેતા નાગરિકોના આવા અભિપ્રાયો "ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન"ની આ સીસ્ટમની ઉપયોગીતા દર્શાવે છે. તેની સાથે સાથે અમે છકડા ચાલક ઇસબભાઇ બલોચના વિચારો પણ જાણ્યા ! ઇસબભાઇ કંઇક આવું કહે છે, “પહેલાં તો છુટક મજુરી કરીને ગુજરાન ચાલતું હતું પણ જ્યારથી આ પ્રક્રિયામાં છકડા સાથે જોડાયો છું ત્યારે હવે દર મહિને બાંધેલી રકમ મળી રહે છે. લોકોનો સહકાર પણ સારો છે અને વિવિધ વિસ્તારોમાંથી મળેલો એઠવાડ માલધારી ભાઇને પહોંચાડું છું અને અબોલ પશુઓને ખોરાક પણ મળે છે.”

dsc05759.jpg

જાદવજીનગરથી શરુ થયેલો આ રુટ જ્યુબિલિ કોલોની, નરનારાયણનગર, લાલન કોલેજ, આઇયાનગર, શ્રીજીનગર, સોનાલી પાર્ક, શીવમ પાર્ક. હિલ વ્યુથી હિરાણીનગરમાં પુરો થયો. આ રુટમાં લગભગ ૫૦૦ થી વધુ ઘરોનો ભીનો-સુકો કચરો એકઠો થયો અને આ એકત્રિત કચરામાંથી સુકો કચરો ડમ્પ સ્ટેશન અને ભીનો કચરો સીધો માલધારીના ઘરે પહોંચી ગયો !

શું તમને આ કચરા વ્યવસ્થાપનની પ્રક્રિયા આપના વિસ્તાર માટે અપનાવવાની ઇચ્છા છે ?? તો ફોન ઉઠાવો અને ડાયલ કરો ૯૯૦૯૦૭૨૩૩૩.

Author
jayanjaria's picture